એક દિવસ સૂરજ ઉગ્યો ત્યારે યુવાનોની સુવર્ણ પ્રભાત ખીલી હતી… યુવાનો સંસ્કારી હતા… શ્રદ્ધાવાન હતા… શ્રદ્ધા અને સંસ્કાર નું સુયોજ્ય એ યુવાનીને શોભાયમાન બનાવતી હતી. શ્રદ્ધા અને સંસ્કાર ને જોડનારી સુવર્ણ કદી નું નામ છે : સદ્દગુરુ
હા, એ દિવસે સુરજ ઉગ્યો ત્યારે સદ્દગુરુની આંગળી પકડીને યુવાનીની સફર શરુ થઇ હતી… અને એ સફરનું નામકરણ થયું : “શ્રદ્ધા સંસ્કાર પરિવાર”. એ યુવાનો હતાં …અમદાવાદ નાં અને એ સદ્દગુરુ હતા પૂ.આ.ભ.શ્રી વિજય રત્નચન્દ્ર સુરીશ્વરજી મ.સા. (ડહેલાવાળા).
એમણે ફરમાવ્યું : શ્રદ્ધા વિનાનાં સંસ્કાર જડતા લાવે … અને સંસ્કાર વિનાની શ્રદ્ધા ઝનૂન જન્માવે… જીવનમાં શ્રદ્ધા અને સંસ્કારનો ગુણાકાર કરનારા કાર્યો જીવનનું સુકૃત બનશે. અને એ સૂર્યોદય આજે મધ્યાહ્ને તપવા લાગ્યો છે. શાસનભક્ત અને વફાદાર મિત્રોનાં નાનકડા મિત્રવર્તુળથી પ્રારંભાયેલ આ પરિવાર આજે ૨૫૦ થી વધુ નિઃસ્વાર્થ -કર્મઠ અને સ્વયંસેવી થનગનતી યુવા-ચેતનાથી છલકાય છે.


બાળકોની વેકેશન શિબિર સંચાલનથી આરંભાયેલા આ સત્કર્મની ગંગોત્રી આજે 3-3 વેકેશન શિબિરો, દર વર્ષે પારિવારિક શિબિરો, ચૈવિહાર હાઉસ, વિરાટ સાધર્મિક ભક્તિ, અમદાવાદમાં બિરાજમાન ગ્લાન -વૃદ્ધ શ્રમણ શ્રમણીની અપ્રતિમ સેવાભક્તિ-વૈયાવચ્ચ, અંતરિયાળ ગામડાની સ્કૂલોમાં હજારો ડઝન નોટબુક્સનું વિતરણ, મેડિકલ સહાય, અનુકંપા, શૈક્ષણિક સહાય, અને ખાસ કરીને દર વર્ષે શત્રુંજય મહાતીર્થની છટ્ઠ કરીને સાત યાત્રા જેવા વિરાટ સુકૃતોની ગંગા બની ચુકી છે.
કોઈની સામે હાથ લંબાવીને નહિ પણ સ્વયંભૂ ઉલ્લાસથી હજારો લોકો લાખોનું દાન આ પરિવાર ને કરી રહ્યા છે. જિનાજ્ઞા પ્રતિબદ્ધતા અને શાસનની નિષ્ઠા આ પરિવારનો સૌથી મોટો સદ્દગુણ છે.
“આવો શ્રદ્ધા સંસ્કાર પરિવાર માં તમારું સ્વાગત છે.”

